Monday, November 25, 2013

Thank You Jindgi

સાહેબ મારા દીકરાને ગમે તેમ કરીને પાસ કરાવો. એના પપ્પા તો એ નાનો હતો ત્યારે અમને છોડીને જતા રહ્યા. મારે વિધવાને આ જ સહારો છે.

પણ, બેન એ ભણવામાં ધ્યાન જ નથી રાખતો'તો અમેતો બધા છોકરાઓને સરખું ભણાવીએ જ છીએ. બધા પાસ થાય છે એજ ચાર ચાર વિષય માં ફેલ થાય છે. તમે ઘરમાં એના ભણવા તરફ ધ્યાન આપો.

હું એટલું ભણેલી નથી. લોકોના સિલાઈ ઈત્યાદી કામ કરીને થાકી જાઉં છું. ટયુશનના પૈસા નથી. મારે એને વાડકો લઈને ભીખ માંગતો નથી કરવો. તમારા આગળ પાલવ પાથરું છું. મને કૈક મદદ કરો.

પણ હવે તો પ્રિલીમ આવી ગયી ...આટલા દિવસમાં,આખા વર્ષનું એ કેટલું ભણશે?
ભણશે સાહેબ ...હું એને સમ્જાવીસ. બોર્ડમાં પાસ થયી જાય તો આગળ ભણે. નહીતર એને લારીએ મજુરી કરવા જવું પડશે. તમે કૈક કરો.

જુઓ બેન, સ્કુલના સમયમાં તો કઈ ના થાય. એને સવારે છાત્રાલયમાં આવવું પડશે. રાત્રે રોકાવું પડશે. હું એને ભણાવીશ. પણ જો બે ત્રણ દિવસ માં કઈ ફેર નહિ લાગે તો પછી હું પણ હાથ ઊંચા કરી દઈશ.

સાહેબ, તમે આટલું કહ્યું એ મારા માટે બહુ છે. તમે કહો તો કાલથી હું એને મોકલીશ.બસનો પાસ કઢાંવી દઈશ. હું પોતે એને લઈને આવીશ. હું તમે કહેશો ત્યાં સુધી, લોકોના કામ છોડી દઈશ. પણ તમે મારી લાજ રાખો.

બસ, બેન . બહુ ના કહેશો ...કાલ થી મોકલજો. તમારે આવવાની જરૂર નથી. એ મારે ત્યાં જ જમી લેશે ચિંતા ના કરશો. તમે તમારું કામ ચાલુ રાખો.
સાહેબ, એક વાત ...છે ....
હા, બોલો બેન ...શું છે ...
સાહેબ ...હું તમારી ફીસ અત્યારે નહિ ચૂકવી સકું. પણ ભેગા થયે જરૂર આપી દઈશ.

વિપુલ, દુર બેઠો સંવાદ સંભાળતો હતો. એની અંદર કૈક સળવળતું હતું. અંગમાં ગરમી ફેલાઈ રહ્યી રહ્યી હતી. પિતાના અવશાન બાદ, ૩૧ વર્ષની યુવાન વયે પણ, એકલે હાથે સમાજની ઝીંક ઝીલતી અને ખુમારીથી જીવતી મમ્મીને, આજ પહેલા ક્યારેય આવી ભીખ માંગતી જોઈ નહોતી.

નાયક સાહેબે, વિપુલ સામે જોયું. વિપુલે નાયક સાહેબ સામે જોયું. આંખો મળી.નાયક સાહેબની આંખમાંથી નીકળેલી કરુણાનો સંવાદ થયો. વિપુલ ની આંખમાં વાદળો પલળી ગયા.

સાહેબ, હું આવીશ , તમે કહેશો ત્યારે આવીશ. મારે પણ ભણવું છે. હું પાસ થયી બતાવીશ.

સારું બેટા , તારી બસ, સવારે,સૌથી પહેલા કેટલા વાગયાની હોય છે?
૬.૩૦ની, અહી હું ૭.૧૫ એ આવી જાઉં.
સારું તો ૭.૩૦ વાગે તારે છાત્રાલયમાં આવી જવાનું. જો નહિ ભણે તો તારું કેન્સલ...
હા, હું આવી જઈશ ...
સાહેબ , તમારો..... સાહેબ હું એને તમને સોપું છું...
બેન, ચિંતા ના કરો સૌ સારું થશે ...
---------------------
પંદર દિવસ પછી પ્રિલીમ લેવાઈ. વિપુલ ક્લાસ માં છઠ્ઠા નંબરે પાસ થયો. લોકો કાન માં કાન્ફૂસી કરવા લાગ્યા. સાહેબે પેપર ફોડી નાખ્યા'તા.એતો બોર્ડમાં જોઈ લેવાશે. વિપુલ બોર્ડમાં પણ ડીસ્તીનકશન સાથે પાસ થયો. બીજા વિષયોના સાહેબો ને શંકા થયી કે નાયક "બોર્ડમાં" પણ આટલી પહોંચ ક્યાંથી ધરાવતો થયો હશે? એવી તો ખબર જ નહોતી.

નાયક સાહેબની પહોંચ, લોકો બોર્ડ સુધીની હોવાની ચર્ચા કરતા હતા. ત્યારે, વિપુલ જ જાણતો હતો કે એક શિક્ષકની પહોંચ ક્યાં સુધી ની હોય છે. અને મનોમન નક્કી કરી નાખ્યું કે હું ગમે તે થઉ , આજીવન શિક્ષક બની જ રહીશ. અને નાયક સાહેબનું ઋણ ચૂકવી દઈશ. આ એક જે સાંકળ એમણે ચાલુ કરી છે તેને હું આગળ વધારીશ. શિક્ષક બનવા માટેનો એ મારો પહેલો નિર્ધાર.

No comments: